રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં ચાંદીની મોટી ચોરીની ઘટના સામે આવતા વેપારી આલમ અને રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રણછોડનગર શેરી નંબર 1 માંથી અંદાજે 140 કિલો જેટલા ચાંદીના આભૂષણોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાના CCTV ફૂટેજ હવે સોશિયલ મીડિયા અને પોલીસ તપાસમાં સામે આવ્યા છે, જેમાં તસ્કરો એક કારમાં સવાર થઈને શેરીમાંથી બહાર નીકળતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. લાખોની કિંમતની ચાંદીની આટલી મોટી માત્રામાં ચોરી થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રણછોડનગર શેરી-1માં તસ્કરો ત્રાટક્યા

પોલીસના હાથમાં આવેલા CCTV ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ કારના નંબર અને તેની અવરજવરના રૂટના આધારે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ રણછોડનગર અને તેની આસપાસના વિસ્તારોના અન્ય CCTV કેમેરા પણ તપાસી રહી છે જેથી તસ્કરો કઈ તરફ ભાગ્યા છે તેની સચોટ માહિતી મળી શકે. પ્રાથમિક દ્રષ્ટિએ આ રેકી કરીને કરવામાં આવેલી ચોરી હોવાનું જણાય છે. પોલીસ આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓ જેલના સળિયા પાછળ હશે તેવો દાવો કરવામાં આવ્યો છે.