દેશના 28 રાજ્યોમાં અંદાજે 1534 જેટલા સાયબર ગુના આચરનાર એક અત્યંત સંગઠિત ગેંગનો સાયબર પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગે અત્યાર સુધીમાં 930 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે, જેમાં પોલીસે કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ છેતરપિંડીના નાણાં મેળવવા માટે બેંકોમાં 80 જેટલા બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ ગેંગની એક શાખા ગીર સોમનાથના વેરાવળમાં કાર્યરત હતી, જે મુખ્યત્વે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી દ્વારા નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવતી હતી. આ નેટવર્ક એટલું વિશાળ હતું કે તેના તાર સીધા દુબઈ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
દુબઈ કનેક્શન અને 1534 ગુના!
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે મુખ્ય આરોપી અબ્દુલે દુબઈથી 50 થી વધુ વખત રૂપિયા ઉપાડ્યા હતા. આ કૌભાંડમાં 'એકાઉન્ટ પ્રોવાઈડર' તરીકે કામ કરતો ગગજી નામનો શખ્સ સીધો અબ્દુલના સંપર્કમાં હતો. આરોપીઓ નાણાંની હેરાફેરી માટે ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેમાં કમિશનનું પ્રમાણ વધુ મળતું હતું. આ ધરપકડની સાથે જ ગુજરાતમાં નોંધાયેલા 264 જેટલા સાયબર ક્રાઈમનો ભેદ ઉકેલાયો છે. પોલીસ હાલ આ આરોપીઓના અન્ય સાથીદારો અને આંતરરાષ્ટ્રીય કનેક્શનની ઊંડી તપાસ કરી રહી છે, જેથી આ કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય.
