રાજકોટમાં જીએસટી (GST) વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રૂ. 400 કરોડના મસમોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે જીલ ઠક્કર, અજય માલિયા અને વિશાલ ઉર્ફે સાગર નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ બોગસ પેઢીઓ ઊભી કરી લોખંડના સળિયા અને સિમેન્ટ જેવા બાંધકામ મટીરિયલના નકલી બિલો બનાવ્યા હતા. હકીકતમાં કોઈ માલની હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર બિલો બનાવીને આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

3 શખ્સો ઝડપાયા

આ કૌભાંડની ગંભીરતા એ વાત પરથી જાણી શકાય છે કે, આરોપીઓએ રૂ. 400 કરોડના બોગસ બિલો રજૂ કરીને સરકાર પાસેથી અંદાજે રૂ. 40 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધી હતી. જીએસટી વિભાગની ઝીણવટભરી તપાસમાં ડેટા એનાલિસિસ દ્વારા આ શંકાસ્પદ વ્યવહારો પકડાયા હતા. આ નેટવર્ક માત્ર રાજકોટ પૂરતું સીમિત છે કે અન્ય શહેરોમાં પણ તેના તાર જોડાયેલા છે, તે દિશામાં પોલીસ હવે તપાસ કરી રહી છે. પકડાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા નામો બહાર આવે તેવી શક્યતા છે.