ગુજરાતની રાજનીતિમાંથી આજે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે બિરાજમાન અને પંચમહાલના કદાવર નેતા જેઠાભાઈ ભરવાડે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. શહેરા વિધાનસભા બેઠક પરથી સતત જીતતા આવતા અને ભાજપના પાયાના નેતા ગણાતા જેઠા ભરવાડના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. વર્ષ 2017 અને 2022 ની ચૂંટણીઓમાં જંગી બહુમતી સાથે વિજય મેળવનાર નેતાએ અચાનક પદ ત્યાગ કરતા સંગઠન અને સરકારમાં ફેરબદલના સંકેતો મળી રહ્યા છે.
પોલીસ કોન્સ્ટેબલથી ધારાસભ્ય સુધીની જાણો સફર
72 વર્ષીય જેઠાભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા સતત ચર્ચામાં રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં શહેરા વિધાનસભા સીટનાં તરસંગ ગામે જૂથ અથડામણની ઘટનામાં તેઓ સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતા.
શહેરા બેઠક પરથી જીત્યા હતા જેઠા ભરવાડ
પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક વર્ષ 2022ની ચૂંટણીમાં ભારે ચર્ચામાં રહી હતી, કારણ કે ભાજપે અહીં ક્ષત્રિય ઉમેદવારને બદલે ફરી એકવાર અનુભવી નેતા જેઠાભાઈ ભરવાડ પર ભરોસો મૂક્યો હતો. આ બેઠક પર ભાજપના જેઠા ભરવાડ, કોંગ્રેસના ખાતુભાઈ પગી અને આમ આદમી પાર્ટીના તખતસિંહ સોલંકી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. જોકે, ભૂતકાળમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂકેલા જેઠાભાઈ ભરવાડે પોતાની લોકપ્રિયતા અને મજબૂત પક્કડના જોરે આ ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને ધારાસભ્ય પદ જાળવી રાખ્યું હતું. જીત બાદ તેમણે શહેરાની જનતાનો આભાર માનતા વિકાસના કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કોણ છે જેઠા ભરવાડ?
જેઠાભાઈ ભરવાડનો રાજકીય ઇતિહાસ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે, તેઓ 1998 થી 2022 સુધી સતત 6 વખત શહેરા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1998માં સમાજવાદી પાર્ટી સાથે થઈ હતી, પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વર્ષ 2002માં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છત્રસિંહને હરાવીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો. તેમની સતત છ ટર્મની જીત અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને તેમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. શહેરા બેઠક પર તેમનું એકહથ્થુ શાસન તેમના મજબૂત જનસંપર્ક અને પાયાના નેતૃત્વનું પરિણામ માનવામાં આવે છે.









