રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ શહેરના મુખ્ય વેપારી મથક ગણાતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ ખાતર પાડી પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાડ્યા છે. રાત્રીના સમયે તસ્કરોએ એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ અને માલસામાનની ચોરી કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.


તેલના ડબ્બા અને ખજૂરની પણ ચોરી

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટના 'એ' ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા દાણાપીઠ વિસ્તારમાં તસ્કરોએ મોડી રાત્રે હાથફેરો કર્યો હતો. જેમાં નિમેષ ટ્રેડર્સ અને જલારામ ટ્રેડર્સ સહિતની ત્રણ દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી. તસ્કરો માત્ર રોકડ જ નહીં, પરંતુ દુકાનમાંથી સીંગતેલના ડબ્બા, ખજૂર અને અન્ય સામાન પણ ઉઠાવી ગયા છે.

પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો

રાજકોટ શહેરના ભરચક ગણાતા અને મુખ્ય વેપારી વિસ્તારમાં ચોરીની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. વેપારીઓનો આક્ષેપ છે કે, રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ હોય તેવું જણાય છે. જો મુખ્ય બજારોમાં જ દુકાનો સુરક્ષિત ન હોય, તો અન્ય વિસ્તારોની હાલત શું હશે? તે ચિંતાનો વિષય છે. એક રાતમાં ત્રણ-ત્રણ દુકાનના તાળા તૂટવાની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

'એ' ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ વેપારીઓ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 'એ' ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. આ તસ્કરો કોણ હતા અને ચોરી કરવા માટે કયા વાહનનો ઉપયોગ કર્યો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. વેપારી સંગઠનોએ પણ આ મામલે કડક કાર્યવાહી અને રાત્રિ સુરક્ષા વધારવાની માગ કરી છે.


આ પણ વાંચો - Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ


  • Follow us on: