રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ભાયાવદર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના આધારે પડવલા ગામ અને મોટી પાનેલી ગામની સીમમાં જુગાર રમતા શખ્સો પર ત્રાટકી મોટી સફળતા મેળવી છે. અલગ-અલગ બે રેડમાં પોલીસે કુલ 8 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

પડવલા ગામમાં હાઈટેક વોચ છતાં પોલીસની સફળતા

પડવલા ગામમાં રમાતા જુગાર પર રેડ કરવી એ પોલીસ માટે મોટા પડકાર સમાન હતી, કારણ કે જુગારીઓએ પકડાઈ ન જવા માટે તમામ પ્રકારની સાવધાની અને ગોઠવણી કરી હતી. જોકે, ભાયાવદર પોલીસે કુનેહપૂર્વક આયોજન કરી અહીં રેડ કરી હતી. જેમાં જયંતિ મોહનભાઈ ગોરચીયા અને હિતેશ મોહનભાઈ જોશી નામના બે શખ્સોને કુલ રૂપિયા 1,23,210 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ કેસમાં હજુ બે આરોપીઓને પકડવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.

મોટી પાનેલીની સીમમાંથી 6 શખ્સો પકડાયા

બીજી તરફ મોટી પાનેલી ગામની સીમમાં પણ પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોમાં હરેશ કરસનભાઈ વાડેયા, વિનુ પ્રવીણભાઈ સોલંકી, લખમણ દુદાભાઈ હુણ, મનસુખ બચુભાઈ ભાલોડીયા, અશોક જીવરાજભાઈ કાલરીયા અને હંસાબેન ગેલાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે આ સ્થળેથી રૂપિયા 10,400 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાયાવદર પોલીસની આ બેવડી કાર્યવાહીથી પંથકના જુગારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો - Rajkot News : વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલની તૈયારીઓને અપાયો આખરી ઓપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન