રાજકોટના પૉશ ગણાતા યાજ્ઞિક રોડ પર એક નબીરાએ પોતાની સ્કોર્પિયો કાર સાથે બેફામ રીતે સ્ટંટ કરીને જાહેર જનતાના જીવ જોખમમાં મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. આ નબીરાએ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને રોડ પર ભયાનક રીતે કાર હંકારી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કારના કાચ કાળા (Black Film) છે, જે કાયદાકીય રીતે પ્રતિબંધિત છે, તેમ છતાં આ ચાલક કોઈ પણ જાતના ડર વગર વ્યસ્ત રસ્તા પર જોખમી કરતબ કરી રહ્યો હતો.
જાહેર જનતાના જીવ જોખમમાં
આ વાયરલ વીડિયોને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રાજકોટ પોલીસનો ખોફ નબીરાઓમાં ખતમ થઈ રહ્યો છે? આ પ્રકારના સ્ટંટ માત્ર ચાલક માટે જ નહીં પરંતુ રસ્તા પર ચાલતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં આ વીડિયોના આધારે પોલીસે સ્કોર્પિયો ચાલકની ઓળખ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે, જેથી ભવિષ્યમાં આવા બેફામ બનેલા તત્વોને બોધપાઠ મળી શકે.













