લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે કોઈપણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર ભાવેશ કોઠિયાને પોલીસ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
કમ્પાઉન્ડરમાંથી બની ગયો 'ડોક્ટર'
ઝડપાયેલો આરોપી ભાવેશ કોઠિયા અગાઉ ગોંડલની રાદડિયા હોસ્પિટલમાં બે વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. કમ્પાઉન્ડર તરીકેની નોકરી દરમિયાન તેણે દવાઓનું સામાન્ય જ્ઞાન મેળવ્યું અને ત્યારબાદ પોતે જ ડોક્ટર બની બેઠો. નવાઈની વાત એ છે કે, આરોપીએ B.Com અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે, છતાં મેડિકલ ડિગ્રી હોવાનો દાવો કરી લોકોની સારવાર કરતો હતો.













