રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલા છાડવાવદર ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામના સીમ વિસ્તારમાં ભાદર નદીના કાંઠે આવેલી ભાવેશભાઈ સીદાભાઈની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, વાડીમાં આવેલા સબમર્સીબલ પંપને ચાલુ કરવા માટે સ્વિચ દબાવતી વખતે અચાનક ભારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે યુવક સ્થળ પર જ ઢળી પડ્યો હતો.

મૃતક યુવકની ઓળખ અને સરકારી હોસ્પિટલ ખસેડાયો

વીજ આંચકો લાગવાથી મૃત્યુ પામનાર યુવકની ઓળખ મિથુનભાઈ કાળુભાઈ પસાયા તરીકે થઈ છે, જે મૂળ દાહોદ જિલ્લાનો વતની હતો અને છાડવાવદર ગામે વાડીમાં મજૂરી કામ કરતો હતો. ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણ મિથુનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા કારણો જાણવા તપાસ ધમધમાટ

આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા માટે તાલુકા પોલીસ તંત્ર તેમજ PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળ PGVCL તંત્રની કોઈ ખામી હતી, વાડી માલિકના વાયરિંગમાં ગડબડ હતી કે, પછી શ્રમિક યુવકની અજાનતામાં કોઈ ભૂલ થઈ હતી તે અંગે સઘન તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.


આ પણ વાંચો - Rajkot News : માતાની દેખરેખ માટે રાખેલી મહિલા જ ઘરમાં હાથ સાફ કરી ગઈ, રૂ.13.45 લાખની કરી ચોરી