રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં આવેલા કસ્તુરી એપાર્ટમેન્ટમાં બનેલી લાખોની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં મોટી સફળતા મેળવી છે. વૃદ્ધ માતાની દેખરેખ અને ઘરકામ માટે રાખવામાં આવેલી મહિલાએ જ ઘરમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ઘરમાં રહેલા કબાટ અને સોનાના દાગીના ક્યાં રાખવામાં આવ્યા છે તેની તમામ વિગતો મેળવી લીધા બાદ આ ગુનાને અંજામ આપ્યો હતો અને રોકડ તેમજ દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.
166 ગ્રામ સોનું અને રૂ.70 હજારની રોકડ સહિત રૂ.13.45 લાખનો માલ કબ્જે
આરોપી મહિલા ઘરમાંથી 166 ગ્રામ સોનાના કિંમતી દાગીના અને રૂ.70 હજારની રોકડ રકમ ચોરીને નાસી છૂટી હતી. માલવિયાનગર પોલીસ અને એલસીબી (LCB) ની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી ટેકનિકલ લોકેશન અને બાતમીદારોના આધારે આરોપી મહિલાને શોધી કાઢી હતી. પોલીસે મહિલા પાસેથી ચોરી થયેલા તમામ સોનાના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂ.13.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
