રાજકોટ દૂધ સંઘ (રાજકોટ ડેરી) દ્વારા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતમાં એક અતિ મહત્વનો અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજકોટ દૂધ સંઘે કુલ રૂ. 90 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. આ સફળતાના ભાગરૂપે ડેરી પ્રશાસને નફાનો મોટો હિસ્સો સીધો જ દૂધ ઉત્પાદકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે, જેથી પશુપાલકોને તેમના પરિશ્રમનું યોગ્ય અને પૂરેપૂરું વળતર મળી રહે.
પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે કુલ 75 કરોડની ચૂકવણી
આ નિર્ણય અંતર્ગત રાજકોટ ડેરી દ્વારા પોતાના કુલ નફામાંથી રૂ. 75 કરોડની માતબર રકમ અંતિમ ભાવ વધારા તરીકે ચૂકવવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ કિલો ફેટ રૂ. 84 લેખે આ રકમ ગણતરી કરીને સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલી 761 જેટલી દૂધ મંડળીઓના કુલ 52,182 દૂધ ઉત્પાદકોને આ નિર્ણયનો સીધો આર્થિક લાભ મળશે.
