રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેસ સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહખોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેતપુર શહેરના ભાદર સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં બાતમીના આધારે કરવામાં આવેલી રેડમાં મોટી માત્રામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેસ એજન્સીને સીઝ કરી દીધી છે.
માનવ જિંદગી સાથે ખીલવાડ
ઘટનાની મળતી માહિતી અનુસાર, વાસુકી ઉદ્યોગનગરમાં આવેલી ખેતલીયા ટેક્ષટાઇલ્સ નામની સાડીના કારખાનામાં મશીનરી ચલાવવા માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો અનઅધિકૃત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે પરવાનગી વગર રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ગેસનો જથ્થો રાખવો એ માનવ જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતું.
