રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. રાજકોટમાં રૂઆબદાર ગણાતી 'થાર' ગાડીનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ગોંડલ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે.

ગોંડલ ચોકડી પાસે પોલીસનું ચેકિંગ

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ પોલીસ ગોંડલ ચોકડી પાસે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક શંકાસ્પદ 'થાર' ગાડી પસાર થતા પોલીસે તેને અટકાવી હતી. ગાડીની ઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ લક્ઝરિયસ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

દારૂની બોટલો અને ચપલાનો જથ્થો જપ્ત

પોલીસે થાર ગાડીમાંથી તપાસ દરમિયાન 24 નંગ વિદેશી દારૂની બોટલો અને 207 નંગ દારૂના ચપલા(ક્વાટર) મળી આવ્યા હતા. પોલીસે દારૂનો આ જથ્થો અને ગુનામાં વપરાયેલી થાર ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કુલદીપ પાથરની ધરપકડ

ગાડીના ચાલક કુલદીપ પાથરની પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટમાં પોશ ગણાતી ગાડીઓમાં દારૂની હેરાફેરીનો મામલો સામે આવતા પોલીસે હવે ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Rajkot News: જેતપુરમાંથી 93 કોમર્શિયલ સિલિન્ડર જપ્ત, મહાદેવ એજન્સી સીઝ અને બે સંચાલકો સામે ગુનો દાખલ