રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામે પવનચક્કીના ધંધાના વર્ચસ્વને લઈને થયેલા જૂથ અથડામણ અને ફાયરિંગના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વિગતો મુજબ, પવનચક્કીના વ્યવસાય બાબતે ચાલી રહેલી તકરારમાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હિંસક અથડામણને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

વર્ચસ્વની લડાઈમાં ફાયરિંગ

આ મામલે પોલીસે બંને પક્ષના કુલ 9 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે, જેમાં લઘુ ધાધલ, પ્રતાપ અને કુલદિપ ખાચર જેવા મુખ્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ (Attempt to Murder) અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને હથિયારો ક્યાંથી આવ્યા તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઓરી ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot થી કોલકાતા સુધી EDનો સપાટો, રેલવે સહિત 10 સરકારી વિભાગોના નામે ચાલતું રેકેટ ઝડપાયું