રાજકોટના જામકંડોરણામાં ચાલી રહેલા હનીટ્રેપના કૌભાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને પોતાની જાળમાં ફસાવીને આર્થિક રીતે લૂંટવામાં આવ્યા છે. આ ટોળકી ચોક્કસ લોકોને નિશાન બનાવી, મહિલાઓ દ્વારા તેમને અવાવરું કે એકાંત સ્થળોએ બોલાવતી હતી. ત્યારબાદ ગેંગના અન્ય સભ્યો ત્યાં પહોંચી જઈ, ભોગ બનનારને ડરાવી-ધમકાવી અને માર મારીને મોટી રકમ પડાવતા હતા. તાજેતરમાં જેતપુરમાં વધુ એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને અવાવરું જગ્યાએ બોલાવી માર મારી દોઢ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસનું કડક વલણ
આ ગંભીર મામલે જિલ્લા પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે અને અન્ય ભોગ બનનારા લોકોને પણ નિર્ભય થઈને ફરિયાદ કરવા અપીલ કરી છે. પોલીસ વડાએ ખાતરી આપી છે કે જે પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવશે તેની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેથી સામાજિક બદનામીના ડરે કોઈ પાછું ન પડે. હાલમાં પોલીસે આ કૌભાંડમાં સામેલ 2 મહિલાઓ સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. પોલીસને આશંકા છે કે તપાસના અંતે હજુ પણ અનેક મોટા માથાઓના નામ આ કાળા કારોબારમાં ખુલી શકે છે.













