નડિયાદ શહેરમાં ક્વિક કોમર્સ પ્લેટફોર્મ 'બ્લિંકીટ' (Blinkit) ના આશરે 150 જેટલા ડિલિવરી કર્મચારીઓ એકાએક હડતાલ પર ઉતરી જતાં હોબાળો મચી ગયો છે. કર્મચારીઓનો મુખ્ય વિરોધ કંપની દ્વારા ડિલિવરી રેટમાં કરવામાં આવેલા ધરખમ ઘટાડા સામે છે. અગાઉ એક ઓર્ડર દીઠ કર્મચારીઓને રૂ. 75નું વળતર મળતું હતું, જે ઘટાડીને હવે સીધું રૂ. 38 કરી દેવામાં આવ્યું છે. આટલા ઓછા મહેનતાણામાં પેટ્રોલના ખર્ચ બાદ કંઈ જ બચતું ન હોવાનું જણાવી કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે કંપની તેમનું આર્થિક શોષણ કરી રહી છે. આ હડતાલને કારણે નડિયાદમાં બ્લિંકીટની ડિલિવરી સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે અને હજારો ઓર્ડર અટવાયા છે.
બ્લિંકીટ કર્મીઓનું આક્રમક આંદોલન
કર્મચારીઓએ વધુમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ આ વળતર ઘટાડા અંગે મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવા ગયા, ત્યારે સ્થાનિક મેનેજરે તેમની સમસ્યા સાંભળવાને બદલે તેમને હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. યોગ્ય વળતર, અકસ્માત વીમો અને કર્મચારીલક્ષી લાભોના અભાવે ડિલિવરી પાર્ટનર્સમાં લાંબા સમયથી અસંતોષ હતો, જે હવે વિસ્ફોટક હડતાલના સ્વરૂપે બહાર આવ્યો છે. રોષે ભરાયેલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી જૂના રેટ પુનઃ સ્થાપિત કરવામાં નહીં આવે અને મેનેજમેન્ટ દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં.













