અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે શરૂ થયેલી સામાન્ય માથાકૂટે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ મામલો સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને વર્ચસ્વ જમાવવાની લડાઈનો છે. એક જૂથ બાઈક લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે બીજા જૂથે 'અમારી સામે કેમ જોવે છે?' તેમ કહીને તકરાર કરી હતી, જે બાદમાં પથ્થરમારામાં પરિણમી હતી. આ હિંસક બબાલને પગલે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


"કેમ જોવે છે?" કહીને વાત વણસી

આ ઘટના અંગે પોલીસે કડક વલણ અપનાવતા બંને પક્ષો સામે સામસામે ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 30 જેટલા શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, બંને પક્ષે 30 થી 35 લોકોના ટોળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે પથ્થરમારો કરનારા અને કાવતરામાં સામેલ તમામ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ગામની મુલાકાત લીધી છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Gandhinagar News : નવા વર્ષની ગિફ્ટ કે શુભેચ્છાની લિંક ક્લિક કરતા સાવધાન, ગુજરાતીઓએ ગુમાવ્યા રૂ. 121 કરોડ

  • Follow us on: