સુરતના અમરોલી વિસ્તારમાં 16 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સુરતની સ્પેશિયલ કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અમરોલી પોલીસની ત્વરિત કામગીરી અને 24 દિવસમાં રજૂ કરેલી ચાર્જશીટને આધારે કોર્ટે આ કડક ચુકાદો આપ્યો છે, જેમાં પીડિતાને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, એપ્રિલ 2025થી જૂન 2025 દરમિયાન આરોપી વિશાલ ભરતભાઇ ચૌહાણે 16 વર્ષ અને 8 માસની કિશોરી પર દબાણ બનાવી તેને ન્યુ કતારગામ બ્રીજ નીચે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, આ નરાધમે ભોગબનનારના ઘરે જઈને પણ તેની છેડતી કરી હતી. આ મામલે ગત 8 જૂન 2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

પોલીસની પ્રશંસનીય કામગીરી

અમરોલી પોલીસે ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી વિશાલ ચૌહાણને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસે એફએસએલ અને મેડિકલ પુરાવાઓ અત્યંત ઝડપથી એકત્ર કર્યા હતા. પોલીસની કાર્યક્ષમતાને કારણે આ કેસમાં માત્ર 24 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી હતી, જેનાથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બની હતી.

કોર્ટનો ચુકાદો અને વળતર

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલની ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા વિશાલ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. વધુમાં, પીડિતાને થયેલા અન્યાય અને માનસિક આઘાત બદલ 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કડક સજાને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને કાયદાનું શાસન વધુ મજબૂત બન્યું છે.


આ પણ વાંચો - Jamnagar News: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર હિરેન ઝાલાને 10 વર્ષની સખત કેદ અને દંડ


  • Follow us on: