ડિજિટલ યુગમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધ્યો છે, ત્યારે તેની સાથે સંકળાયેલા ગુનાઓમાં પણ ઉછાળો આવ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક એવી શાતિર ગેંગને ઝડપી લેવામાં આવી છે, જે ઓનલાઇન શોપિંગના નામે નિર્દોષ લોકોના ખિસ્સા ખંખેરતી હતી. પોલીસે સુરતના સચિન વિસ્તારમાં રેડ કરીને આ ગેંગના બે સાગરીતને દબોચી લીધા છે.
3,700થી વધુ ઓર્ડર અને લાખોની ઠગાઈ
પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. આ આરોપીઓએ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાતો મૂકી સમગ્ર દેશમાંથી અંદાજે 3,762 જેટલા ઓર્ડર મેળવ્યા હતા. ગ્રાહકોને સસ્તા દરે વસ્તુઓ આપવાની લાલચ આપી આ ટોળકીએ અત્યાર સુધીમાં કુલ રૂપિયા 22.86 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. લોકો ઓર્ડર બુક કરાવતા પરંતુ તેમને વસ્તુ મળતી નહીં અથવા તો છેતરપિંડી કરવામાં આવતી હતી.
