સુરતમાં સાયબર ઠગબાજો દ્વારા વૃદ્ધોને નિશાન બનાવવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધાને મની લોન્ડરિંગ કૌભાંડનો ભય બતાવી ત્રણ દિવસ સુધી 'ડિજિટલ એરેસ્ટ' કરવામાં આવ્યા હતા. ઠગબાજોએ તપાસ એજન્સીના ઉચ્ચ અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી વૃદ્ધાને એવી રીતે ડરાવી દીધા હતા કે તેઓ ઘરની બહાર નીકળવા પણ તૈયાર નહોતા. આટલું જ નહીં, આરોપીઓએ વૃદ્ધા પાસે રહેલું અંદાજે 50 તોલા સોનું ગીરવે મૂકી તેમાંથી લોન લઈ નાણાં ટ્રાન્સફર કરવા માટે સતત દબાણ કર્યું હતું.
ડિજિટલ એરેસ્ટનો આતંક
સદનસીબે, આ મામલે સમયસર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક થતાં મોટી જાન-માલની હાનિ ટળી છે અને વૃદ્ધા ઠગબાજોની જાળમાં ફસાતા બચી ગયા છે. ઠગ ટોળકીએ વૃદ્ધાને સતત વીડિયો કોલ પર નજર હેઠળ રાખી માનસિક ટોર્ચર પણ કર્યું હતું. હાલમાં સુરત સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઠગબાજોના લોકેશન ટ્રેસ કરવાની અને ટોળકીના મૂળ સુધી પહોંચવાની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ એજન્સી વીડિયો કોલ દ્વારા આ રીતે ધરપકડ કે તપાસ કરતી નથી, માટે ડર્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવી.













