સુરતની કોલેજોમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં અમરોલી કોલેજના કેમ્પસમાં અસામાજિક તત્વોએ ઘૂસીને ઉત્પાત મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ગુંડા તત્વોએ કોલેજ પ્રિમાઈસીસની અંદર જ વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો હતો, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વિદ્યાના ધામમાં આ રીતે ખુલ્લેઆમ થતી ગુંડાગીરીને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે કે શું તેમના બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત છે?

શિક્ષણ સંસ્થા કે ગુંડાઓનો અડ્ડો?

આ સમગ્ર હુમલાની ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અસામાજિક તત્વો કોઈપણ ડર વગર કોલેજ કેમ્પસમાં હિંસા આચરી રહ્યા છે. આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા સુરત પોલીસ સફાળી જાગી છે અને વાયરલ વીડિયોના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ખાતરી આપી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં અશાંતિ ફેલાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં.