બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં તળાજા પંથકમાં તળપદા અને ઠાકોર સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ એકઠા થયા હતા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સમાજની મુખ્ય માંગણી છે કે આ કેસની તપાસ કોઈ સામાન્ય SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ને સોંપવાને બદલે નિષ્ઠાવાન અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવે. અગ્રણીઓનું માનવું છે કે તટસ્થ તપાસ દ્વારા જ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાશે.
બગદાણામાં તંગદિલી
આ ઉપરાંત, હુમલા પાછળના ષડયંત્રને ખુલ્લું પાડવા માટે હુમલા પહેલા અને પછીની તમામ કોલ ડિટેઈલ્સની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમાજે સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોરો અને તેમની પાછળ રહેલા માસ્ટરમાઇન્ડના કોલ રેકોર્ડ જાહેર કરવામાં આવે જેથી સત્ય સામે આવી શકે. જો આગામી દિવસોમાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે અને તપાસમાં પારદર્શિતા નહીં જણાય, તો સમાજ દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
