સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના વેચાણ કરતા એકમો પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે. ખાસ કરીને પાંડેસરાના ગુલશન નગર વિસ્તારમાં પાણીપુરી બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અત્યંત ગંદકીવાળી જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી અને તપાસ દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં સડેલા બટાકા તેમજ આરોગ્ય માટે હાનિકારક એવું અખાદ્ય તેલ મળી આવ્યું હતું. તંત્ર દ્વારા આ તમામ બિનઆરોગ્યપ્રદ જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.

સુરત હેલ્થ વિભાગની લાલ આંખ

આરોગ્ય વિભાગની ટીમે માત્ર પાંડેસરા જ નહીં, પરંતુ શહેરના અલગ-અલગ 10 જેટલા સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંદકીમાં બનતી વાનગીઓ અને હલકી ગુણવત્તાના મસાલા-તેલના ઉપયોગને કારણે બીમારી ફેલાવવાની દહેશતને પગલે પાલિકાએ દંડનીય કાર્યવાહી સાથે નોટિસ ફટકારવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવાની તંત્રએ જાહેરાત કરી છે.