સુરતના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે છાપરાભાઠા રોડ પરથી જીલ ઠુમ્મર નામના શખ્સની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી પોલીસે 236.780 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અને અન્ય સામાન મળી કુલ ₹7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી જીલ ઠુમ્મર કન્ટ્રક્શન સાઇટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ પોતાના મોજશોખ અને વૈભવી જીવન જીવવા માટે છેલ્લા 8 મહિનાથી ડ્રગ્સના વેપારમાં ધકેલાયો હતો.
ડ્રગ્સ લેવા આવેલા બે સાગરિતો ફરાર
આ ડ્રગ્સ નેટવર્કની ચોંકાવનારી બાબત એ છે કે તે સંપૂર્ણપણે હાઈટેક રીતે ચાલતું હતું. આરોપી ડ્રગ્સના સોદા કરવા માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો અને ગ્રાહકો સાથે ખાસ 'કોડવર્ડ'માં વાત કરતો હતો. જ્યારે પોલીસ ત્રાટકી ત્યારે ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ અને ભરત નામના બે શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. હાલમાં SOG પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેણે અત્યાર સુધીમાં કેટલા કરોડનું ડ્રગ્સ વેચ્યું છે તથા આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.













