સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે. ઓલપાડના અટોદરા ગામે મોડી રાત્રે અસામાજિક તત્વોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવીને સૂતળી બોમ્બ ફોડતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. આ કાયરતાપૂર્ણ કૃત્યને કારણે ઘરની બારીના કાચ તૂટી ગયા હતા અને ઊંઘી રહેલા પરિવારજનો ફફડી ઉઠ્યા હતા.
રસોડાની બારી અને CCTV પર હુમલો
ઘટનાની મળતી માહિતી અનુસાર, અટોદરા ગામના બસ સ્ટેન્ડ મોહલ્લામાં રહેતા મોહમ્મદ અઝર નામના રહેવાસીના ઘરને અસામાજિક તત્ત્વોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે ત્રાટકેલા આ તત્ત્વોએ ઘરના રસોડાની બારી અને ઘરના મુખ્ય ભાગ પર શક્તિશાળી સૂતળી બોમ્બ ફોડ્યા હતા. આ ધડાકા એટલા તીવ્ર હતા કે બારીના કાચ કડડભૂસ થઈને તૂટી પડ્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ઘરના CCTV કેમેરા પાસે પણ ફટાકડા ફોડ્યા હોવાનું સામે આવ્યું છે.
પરિવારમાં ભયનો માહોલ
રાત્રિના સમયે થયેલા જોરદાર ધડાકાથી ઘરના સભ્યો જાગી ગયા હતા અને અચાનક શું થયું તે વિચારીને ચોંકી ઉઠ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બારી પાસે જ વિસ્ફોટ થતા મોટું જોખમ સર્જાયું હતું. અસામાજિક તત્ત્વોની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે તેમની ઓળખ કરવાના પ્રયાસો તેજ કરાયા છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટના અંગે ભોગ બનનાર પરિવારે તાત્કાલિક ઓલપાડ પોલીસ મથકે અરજી આપીને કડક કાર્યવાહીની માગ કરી છે. ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આ લુખ્ખા તત્ત્વો કોણ છે અને તેમની પાછળનો હેતુ શું છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માગ ઉઠી છે.
આ પણ વાંચો - Surat : ચોરીના આઠ વાહનો સાથે 2 આરોપીઓની ધરપકડ, બંને વાહનોની ચોરી કરીને અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા