આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરતી કુખ્યાત મિલન દરજી ગેંગ વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમે તપાસનો ગાળિયો વધુ મજબૂત કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે અમદાવાદ એરપોર્ટ પર ઓપરેશન હાથ ધરીને રજની કાછડીયા નામના મહત્વના આરોપીની ધરપકડ કરી છે. આરોપી રજની લાંબા સમયથી દુબઈમાં રહીને મિલન દરજી માટે કામ કરતો હતો. તેનું મુખ્ય કામ ભારતમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા રૂપિયાને દુબઈમાં વિડ્રો કરવાનું અને તે રકમમાંથી USDT (ક્રિપ્ટો કરન્સી) ખરીદવાનું હતું. આ રીતે ગંભીર ગુનાના નાણાંને ક્રિપ્ટોના માધ્યમથી સગેવગે કરવામાં આવતા હતા.

સાયબર સિન્ડિકેટ પર ત્રાટકી પોલીસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રજની કાછડીયા માત્ર દુબઈમાં નાણાં મેળવતો જ નહોતો, પરંતુ તે ભારતમાં રહેલા વિવિધ બેંક એકાઉન્ટ હોલ્ડરોને આંગડિયા મારફતે નાણાંની ચૂકવણી કરવાની વ્યવસ્થા પણ સંભાળતો હતો. આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે ડિજિટલ ફ્રોડના નાણાંનું લોન્ડરિંગ કરતી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ આ કેસમાં અત્યાર સુધીમાં 1૪ જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી ચૂકી છે અને રજનીની ધરપકડ બાદ આ આંતરરાષ્ટ્રીય રેકેટના અન્ય મોટા માથાઓ સુધી પહોંચવાની પોલીસને આશા છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી તેના કનેક્શન અને અન્ય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે.