સુરતના લિમ્બાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરનાર રીઢા ગુનેગાર બારકુ પાટીલને પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. લિમ્બાયત પોલીસે આ કુખ્યાત શખ્સને મહારાષ્ટ્રથી દબોચી લીધો છે અને આજે ઘટના સ્થળે તેનો 'વરઘોડો' કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મહારાષ્ટ્રના ચાલીસગાંવથી ઝડપાયો
લિમ્બાયત વિસ્તારમાં થોડા સમય અગાઉ એક લગ્ન પ્રસંગમાં અજય ગીરાસે નામના શખ્સ પર બારકુ પાટીલે ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. સુરત પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેને મહારાષ્ટ્રના ચાલીસગાંવથી ઝડપી લીધો હતો. આ વિસ્તારમાં બારકુ પાટીલનો ભારે ખૌફ હોવાથી પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈ જાહેરમાં પરેડ કરાવી હતી.













