સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભય ન હોય તેમ કેટલાક નબીરાઓ દ્વારા જાહેર રસ્તા પર જોખમી સ્ટંટ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, આ નબીરાઓ પોતાની કારને રસ્તાની વચ્ચે જ ભમરડાની જેમ ગોળ-ગોળ ફેરવી (ડ્રિફ્ટિંગ) રહ્યા છે. માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને 'રીલ' બનાવવાની ઘેલછામાં આ યુવાનોએ અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પર ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે તેવી આ ખતરનાક ડ્રાઇવિંગ જોઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરત પોલીસ ક્યારે લેશે એક્શન?
આ વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર જ્યાં સતત ટ્રાફિક રહેતો હોય છે, ત્યાં આ રીતે રોલો પાડવા માટે કરવામાં આવતા કરતૂતો અકસ્માતને સીધું આમંત્રણ આપે છે. અગાઉ પણ આવા સ્ટંટબાજો સામે પોલીસે લાલ આંખ કરી છે, પરંતુ નબીરાઓમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ ફરી એકવાર સુરતની સડકો પર આતંક મચાવ્યો છે. હાલમાં આ વીડિયોના આધારે પોલીસ કારના નંબર અને ચાલકની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.













