રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 90 જેટલી આંગણવાડીઓ અને વિવિધ શાળાઓમાં 1 થી 18 વર્ષના અંદાજે 2.90 લાખ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ મેગા ચેકઅપ કેમ્પમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં કુલ 164 બાળકો હ્રદયની ગંભીર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, 31 બાળકોમાં કેન્સર, 43 બાળકોમાં કિડનીની તકલીફ અને 6 બાળકોમાં લીવર સંબંધિત ગંભીર બીમારીઓના લક્ષણો જોવા મળ્યા છે. મનપાના મેડિકલ ઓફિસર ડૉ. જયદીપ ભૂંડ્યાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ તમામ બાળકોને વધુ નિદાન અને ઓપરેશન સહિતની સારવાર માટે રાજકોટ અને અમદાવાદની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
બાળકોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે
ડૉ. જયદીપ ભૂંડ્યાએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં જે કેસો મળ્યા છે તે પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ જણાયા છે અને નિષ્ણાતો દ્વારા તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. બાળકોમાં આટલી નાની ઉંમરે ગંભીર બીમારીઓ વધવા પાછળનું એક મુખ્ય કારણ ફાસ્ટફૂડ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ બાળકોના ખાનપાન પર વિશેષ ધ્યાન આપે. સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના હેઠળ આ તમામ બાળકોને નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે, જેથી તેમના જીવન પરનું જોખમ ટાળી શકાય.













