ડાયમંડ સિટી સુરતમાં વિદેશ જવા ઈચ્છુક લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરત શહેરના પાલ પોલીસ મથકની હદમાં વિદેશના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારા એક ભેજાબાજ ટ્રાવેલ્સ એજન્ટને પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આરોપીએ ફિનલેન્ડ અને કેનેડા જેવા દેશોની લાલચ આપી અનેક લોકોના લાખો રૂપિયા ખંખેર્યા હતા.

મહાકાલ ટ્રાવેલ્સના નામે ચાલતું હતું નેટવર્ક

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી વરૂણ રાજુભાઈ પરમાર "મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ" નામની એજન્સી ચલાવતો હતો. તેણે લોકોમાં વિશ્વાસ જગાડ્યો હતો કે, તે ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ અને કેનેડાના પરમિટ વિઝા અપાવી શકે છે. વિદેશ જવાની ઘેલછામાં અનેક યુવાનો અને પરિવારો આ એજન્ટની જાળમાં ફસાયા હતા.

13 લોકો પાસેથી 2.13 કરોડની લૂંટ

પાલ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, વરૂણ પરમારે અત્યાર સુધીમાં અંદાજે 13 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી કુલ 2.13 કરોડ રૂપિયાની માતબર રકમ પડાવી હતી. પૈસા લીધા બાદ વિઝા ન મળતા અને એજન્ટ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આખરે છેતરાયેલા લોકોએ પોલીસનો આશરો લીધો હતો. ભોગ બનનારાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, એજન્ટ માત્ર વાયદાઓ જ કરતો હતો અને અંતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.

પાલ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો

ભોગ બનનારની ફરિયાદના આધારે પાલ પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી વરૂણ પરમારને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડીના નાણાં અને અન્ય દસ્તાવેજો રિકવર કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Surat News: સચિનની ગોપીનાથ ટેક્સટાઇલ મિલમાં બે કલાકથી આગ બેકાબૂ, રજા હોવાથી મોટી જાનહાનિ ટળી