સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં લાવવામાં આવેલા એક આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. લોકઅપમાં પૂછપરછ દરમિયાન જ આરોપીનું મોત થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે, અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમટ શરૂ કરવામાં આવ્યો છે.

ગોધરાથી વાહન ચોરીના ગુનામાં કરાઈ હતી ધરપકડ

ઘટનાની મળતી માહિતી મુજબ, સચિન પોલીસ સ્ટેશનની ટીમ વાહન ચોરીના એક ગુનામાં તપાસ કરી રહી હતી. આ ગુનાના તાર ગોધરા સુધી લંબાયા હતા, જ્યાંથી પોલીસ દ્વારા 35 વર્ષીય રીઢા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન જ તબિયત લથડી કે અન્ય કારણ?

સુરત લાવ્યા બાદ પોલીસ મથકમાં જ્યારે આરોપીની પૂછપરછ ચાલી રહી હતી, ત્યારે અચાનક જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રીઢો ગુનેગાર હતો, પરંતુ તેના મોતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. આરોપીએ પોતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે કે, મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં એફએસએલ (FSL) અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

પોલીસની ભૂમિકા સામે ઉઠ્યા ગંભીર સવાલો

પોલીસ સ્ટેશનની અંદર જ આરોપીનું મોત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જો આરોપીએ દવા પીધી હોય તો પોલીસ કસ્ટડીમાં તેની પાસે દવા ક્યાંથી આવી? અને જો પૂછપરછ દરમિયાન તબિયત બગડી હોય તો તેને તાત્કાલિક સારવાર કેમ ન મળી? આ તમામ પ્રશ્નોને લઈને અત્યારે સચિન પોલીસ સવાલોના ઘેરામાં છે. હાલમાં આ મામલે જ્યુડિશિયલ તપાસની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.


આ પણ વાંચો - Surat: ઉત્રાણમાં પ્રસાદના બહાને આખા પરિવારને ઝેર આપી મારવાનો પ્રયાસ, CCTVના આધારે 5 શંકાસ્પદોની ધરપકડ