સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી શાલીગ્રામ હાઈટ્સમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન 'પ્રસાદ'નો ઉપયોગ કરીને એક હસતા-રમતા પરિવારને ખતમ કરવાનો પૂર્વઆયોજિત પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ ઘરના દરવાજે ઝેરયુક્ત લાડુનો પ્રસાદ મૂકીને આખા પરિવારના જીવ જોખમમાં મૂક્યા છે.

સુરતમાં ધાર્મિક આસ્થાના નામે જીવલેણ ખેલ

શાલીગ્રામ હાઈટ્સમાં રહેતા ગોરધનભાઈ ડોંડાના ઘરના દરવાજે અજાણ્યા શખ્સો લાડુનો પ્રસાદ મૂકી ગયા હતા. પરિવારને એમ લાગ્યું કે કોઈ પરિચિત વ્યક્તિ પ્રસાદ આપી ગયું છે, તેથી ગોરધનભાઈ સહિત પરિવારના સભ્યોએ આ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. લાડુ ખાધાના થોડા જ સમયમાં ગોરધનભાઈ અને પરિવારના અન્ય બે સભ્યોની તબિયત એકાએક લથડવા લાગી હતી અને તેઓ બેભાન જેવા થઈ ગયા હતા.

હોસ્પિટલમાં સારવાર હેઠળ

પ્રસાદમાં ઝેર હોવાનું માલુમ પડતા જ ત્રણેય અસરગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના અન્ય રહીશોમાં પણ ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસ તપાસ અને શંકાસ્પદોની અટકાયત

ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોસાયટીના CCTV ફૂટેજ તપાસતા પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે. ફૂટેજના આધારે પોલીસે અત્યાર સુધીમાં 5 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની આકરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ જાણભેદુ અથવા જૂની અદાવત રાખનાર વ્યક્તિનું પૂર્વઆયોજિત કાવતરું હોવાની શંકા છે.

આ પણ વાંચો:Ahmedabad: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપને ફટકો, ટિકિટ ન મળતા યુવા નેતા જયેશ જાદવનું રાજીનામું, વોર્ડ-3માં અપક્ષ ઉમેદવારી નોંધાવી