સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વિરમગામ ભાજપમાં આંતરિક અસંતોષ વિસ્ફોટક રીતે બહાર આવ્યો છે. ભાજપના વરિષ્ઠ યુવા નેતા જયેશભાઈ વિઠ્ઠલભાઈ જાદવે પક્ષના તમામ હોદ્દા અને સભ્ય પદેથી રાજીનામું ધરી દઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

25 વર્ષની સેવા અને ટિકિટની અવગણના

જયેશભાઈ જાદવ છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય હતા અને નાની-મોટી અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. જોકે, આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-3 માંથી તેમને ટિકિટ ન મળતા અને તેમની અવગણના થતા તેમણે આ આકરો નિર્ણય લીધો છે. તેમણે વિરમગામ શહેર ભાજપ સંગઠનને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

સમાજની અવગણનાનો ગંભીર આક્ષેપ

રાજીનામું આપતા જયેશભાઈએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, "આખા વિરમગામ નગરપાલિકામાં કોળી પટેલ સમાજને એક પણ ટિકિટ આપવામાં આવી નથી." તેમણે ઉમેર્યું કે આ માત્ર તેમનું નહીં પણ સમગ્ર સમાજનું અપમાન છે. તેમના મતે, શહેર ભાજપ સંગઠન અને જિલ્લાના હોદ્દેદારોએ પક્ષના જ બનાવેલા નિયમોની સખત અવગણના કરીને માનીતાઓને ટિકિટો વહેંચી છે.

વોર્ડ-3માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું

પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને જયેશભાઈ જાદવે વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર-3 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. 25 વર્ષ સુધી ભાજપને સીંચનાર નેતા જ્યારે સામે પડ્યા હોય ત્યારે ભાજપ માટે આ બેઠક જીતવી પડકારજનક બની શકે છે. ચૂંટણી પહેલા જ પક્ષમાં પડેલા આ ગાબડાથી વિરમગામ ભાજપના નેતાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Junagadh: ચૂંટણી જીતવાની રણનીતિ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ મેદાને, શાપુરના કાર્યકરો સાથે યોજી મહત્વની બેઠક