આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પક્ષના સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં ભવ્ય વિજય હાંસલ કરવા માટે કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શાપુર ગામની મુલાકાત અને બેઠક

જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢના શાપુર ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્થાનિક ભાજપ કાર્યકરો અને આગેવાનો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકનું મુખ્ય કેન્દ્રબિંદુ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીની બેઠકો હતી. પ્રદેશ અધ્યક્ષે એક-એક બેઠકની સમીક્ષા કરી હતી અને દરેક બેઠક પર ભાજપના ઉમેદવાર કેવી રીતે જંગી બહુમતીથી જીતે તે માટે કાર્યકરોને માઈક્રો પ્લાનિંગ સમજાવ્યું હતું.

કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર

બેઠક દરમિયાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પક્ષની મજબૂતી તેના પાયાના કાર્યકરોમાં રહેલી છે. તેમણે સરકારની જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અને ચૂંટણી બૂથ સ્તર સુધી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. પ્રદેશ અધ્યક્ષના સીધા માર્ગદર્શનથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Rajkot: રોંગ સાઈડમાં આવતી કારે સર્જ્યો અકસ્માત, બાઈક ચાલકને ફંગોળતા ગંભીર ઈજા