સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત કર્મચારી સાથે દર મહિને 10 ટકા નફો આપવાની લાલચ આપી 42 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ આખી ઠગાઈમાં પ્રતિષ્ઠિત બેંકોના મેનેજરો સામેલ હતા. સુરત સાયબર સેલે આ મામલે તપાસ હાથ ધરી બંધન બેંકના સેલ્સ મેનેજર અને ઈન્ડસઈન્ડ બેંકના મેનેજર સહિત કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી ઊંચા વળતરની લાલચ આપી તેમની જીવનભરની મૂડી પડાવી લેતી હતી.
સિટીલાઇટ વિસ્તારમાં મોટી છેતરપિંડી
સાયબર સેલની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ એજન્ટોના માધ્યમથી વિવિધ બેંકોમાં 50થી વધુ શંકાસ્પદ ખાતાઓ ખોલાવ્યા હતા. ધરપકડ કરાયેલા બેંક મેનેજરોને આ છેતરપિંડીના વ્યવહારોમાં મદદ કરવા બદલ અંદાજે 60 હજાર રૂપિયા જેટલી રકમ કમિશન પેટે મળી હતી. આ નેટવર્ક ઘણું મોટું હોવાની આશંકા છે, કારણ કે અનેક લોકોના નામે બોગસ દસ્તાવેજો બનાવી ખાતા ખોલવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં અન્ય કેટલા બેંક કર્મચારીઓ કે એજન્ટો સામેલ છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.
