રાજ્યમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કટિબદ્ધ અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતમાં વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા 'રેજેન્ટ પ્લાઝા'ના એક ફ્લેટમાં ડ્રગ્સનો મોટો જથ્થો હોવાની સચોટ બાતમીના આધારે SMCની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં લાખોની કિંમતનું ડ્રગ્સ અને રાજસ્થાનના કુખ્યાત સપ્લાયરો ઝડપાઈ જતા ખળભળાટ મચી ગયો છે.
1 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળ્યો
આ રેડ દરમિયાન SMCની ટીમને ફ્લેટમાંથી કુલ 1053.65 ગ્રામ (આશરે 1 કિલો) MD ડ્રગ્સ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 31.60 લાખ જેટલી થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ફ્લેટનો ઉપયોગ ડ્રગ્સના સંગ્રહ અને વિતરણના અડ્ડા તરીકે કરવામાં આવતો હતો.
રાજસ્થાન કનેક્શન અને ધરપકડ
પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના ત્રણ મુખ્ય ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ કરી છે. આરોપીઓમાં ઓમ પ્રકાશ જાટ, મહેન્દ્ર જોશી અને ચૈલસીંઘ પુરોહિતનો સમાવેશ થાય છે. જોકે, રેડ દરમિયાન અન્ય ત્રણ ડ્રગ્સ સપ્લાયરો નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
ત્રણ પેડલરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યો હતો અને સુરતના સ્થાનિક પેડલરોને સપ્લાય કરવાનો હતો. આ રેકેટમાં સુરતના કયા કયા લોકો સામેલ છે તે અંગે હવે ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ સાથે નાસી છૂટેલા ત્રણ પેડલરને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો - Surat News: તોહીદુલે 'રોહિત' બની યુવતીને નશાના ઈન્જેક્શન આપી 20 દિવસ પીંખી નાખી!