પીસીબીની ટીમ પીઆઈ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેકો વિક્રમ વાઘજીભાઈ અને ભરત કોદરભાઈને બાતમી મળી હતી કે, પુણા ગામ, ભૈયાનગર સ્થિત વિશ્વકર્મા સોસાયટીના ઘર નં.૧૫૪ના ઓટલા પર મુંબઈથી નીકળતા મિલન ટાઈમ અને અન્ય બજારના આંકડા પર જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

અન્ય ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરાયા હતા

પોલીસે દરોડા પાડી ભરત રાવલ, વિલાસ ચૌધરી, રાજેશ પાટીલ અને સંગીતા નળગેને ઝડપી પાડયા હતા. સાથોસાથ રોકડ રકમ, ૪ મોબાઈલ, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, કેલ્ક્યુલેટર અને બોલપેન મળી કુલ રૂ. 60,180નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે આંકડા લેનાર નામચીન બુકી જીતુ મુકેશ રાવલ, હિતેશ હસમુખભાઈ રાવલ (બંને રહે. પર્વત પાટીયા), અન્ય ગ્રાહકોને વોન્ટેડ જાહેર કરાયા હતા. વધુ તપાસ શરૂ થઈ છે.

ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મી લાલાની ભૂંડી ભૂમિકા

પીસીબીએ પુણામાં પર્દાફાશ કરેલા જુગારધામમાં ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મી લાલા રબારીની ભૂંડી ભૂમિકા હોવાની ચર્ચા છે. જીતુ રાવળ નામચીન ગેમ્બલર છે અને થોડા મહિના સ્ટેટ વિજિલન્સે કેસ કર્યો છતાં જીતુએ બિંદાસ્ત બની ફરી વેપલો શરૂ કર્યો હતો. જેમાં પડદા પાછળ રહી પુણાનું તંત્ર સંભળાતા પોલીસ કર્મી લાલાના છૂપા આશિર્વાદ હોવાનું કહેવાય છે. ક્રાઇમ બ્રાંચ માટે " મિ-ઇન્ડિયા" બનેલો લાલો ઉત્રાણ પોલીસ મથકનો પણ છુપો ખેલાડી છે. 8 વર્ષ પહેલાં અમદાવાદથી બદલી કરી સુરત આવેલા લાલાને " વહીવટ" કરવાના ભારે અભરખાં છે. ભુતકાળમાં અડાજણ, ઉમરા, અને ઇચ્છાપોરની કેશિયરી કરી ચૂકેલા લાલાનું નામ સુરત રૂરલના જમીન કૌભાંડમાં પણ ઉછળી ચૂક્યું છે. ખાખીને બત્તી લગાડતા આવા પોલીસ કર્મી સામે કમિશનર કડક એક્શન લેશે?


આ પણ વાંચો : Surat News : બોગસ બિલિંગ કૌભાંડમાં ત્રણ વેપારી ઝડપાયા, 37 કરોડથી વધુની ખોટી રીતે આઇટીસી લીધી હતી