અલથાણ-ભીમરાડ કેનાલ રોડ પર "આઈશ્રી ખોડિયાર બ્રોકિંગ એન્ડ એડવાઈઝ' ના નામે ઓફિસ ધરાવતા હરીશ ગોહિલ નામના શખ્સે જરીના વેપારી અને તેમના અમેરિકા રહેતા ભાઈ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. વળતર આપવાના બદલે મુદ્દલ રકમ પણ પરત ન કરી ઓફિસ બંધ કરી ઠગ ફરાર થઈ જતા મજુરાગેટના વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.


લોભામણી વાતોમાં ફસાવી રૂપિયા સેરવી લીધા

ફરિયાદી પંકજભાઈ રાજેન્દ્રભાઈ જરીવાલા (રહે. મહાદેવનગર, મજુરાગેટ)ના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૧માં મિત્ર મારફતે હરીશ દીપકભાઈ ગોહિલ (રહે. ટાઇમ્સ વર્લ્ડ એટલાન્ટા અને આકાશ ઈસ્ટ પોઈન્ટ, અલથાણ) સાથે મુલાકાત થઈ હતી. હરીશે પોતે સુરતની જાણીતી ‘જૈનમ’ કંપનીના એજન્ટ હોવાનું અને ગ્રાહકોના નાણાં પોતાના પ્લેટફોર્મ પર રોકી મોટો નફો કરાવી આપતો હોવાનો દાવો કર્યો હતો. તેણે રોકાણકારોને ડીમેટ એકાઉન્ટ ખોલવાની પણ જરૂર નથી તેવી લોભામણી વાતોમાં ફસાવ્યા હતા.

બેંકના ખાતમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

હરીશની વાતોમાં આવી પંકજભાઈએ પોતાના, પત્ની અને પિતાના ખાતામાંથી કુલ રૂ. ૩૬.૯૪ લાખનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, અમેરિકામાં રહેતા તેમના ભાઈ મનીષભાઈને પણ ફોન પર વાત કરાવી વિશ્વાસમાં લીધા હતા. મનીષભાઈએ અમેરિકાથી ભારતીય ચલણ મુજબ આશરે રૂ. ૧.૬૮ કરોડથી વધુની રકમ હરીશના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આમ, કુલ રૂ. ૨.૦૫ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. આરોપી હરીશ ગોહિલે રોકાણકારોને છેતરવા માટે ‘ડેલ્ટીન વર્લ્ડ' નામની એક નકલી એપ્લિકેશન બનાવી હતી. જેના સ્ક્રીનશોટ અને ખોટી બેલેન્સશીટ વોટ્સએપ પર મોકલી તે રોકાણ વધ્યું હોવાનો ડોળ કરતો હતો.

છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો

જયારે વેપારીએ વળતર અને પોતાની રકમ પરત માંગી ત્યારે હરીશે ટુકડે-ટુકડે પંકજભાઈના રૂ. ૩૨.૯૪ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ. ૪ લાખ અને મનીષભાઈના રૂ.૧.૬૮ કરોડ પરત આપવામાં ઠાગાઠેયા શરૂ કર્યા હતા. વેપારીએ જયારે નાણાં પરત આપવા માટે દબાણ કર્યું ત્યારે ઠગ હરીશે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું. ભીમરાડ-અલથાણ કેનાલ રોડ પર આવેલી તેની 'ટાઈમ્સ વર્લ્ડ એટલાન્ટા' શોપિંગ મોલની ઓફિસે તપાસ કરતા ત્યાં તાળાં લટકેલા જોવા મળ્યા હતા, જેથી પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા પંકજભાઈએ અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હરીશ દીપકભાઈ ગોહિલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો : Surat News : મીરીખ અને ઓપેરા ગ્રુપ પર ITના દરોડા, વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસમાં જમીનના સોદાને લઈ તપાસ


  • Follow us on: