દરોડા દરમિયાન એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. દરિયામાં ભરતીનો સમય હોવાથી અને પોલીસની પકડમાંથી બચવા માટે આરોપીઓએ ડીઝલ ભરેલા કેટલાંક બેરલો દરિયામાં વહાવી દીધા હતા. ભરતીના મોજામાં આ કિંમતી ડીઝલના બેરલો દૂર સુધી તણાઈ ગયા હતા. રાત્રિના સમયે જ પોલીસે સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોની મદદ લઈ દરિયામાંથી આ બેરલો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
SOGએ ઘટના સ્થળેથી મોટી માત્રામાં ડીઝલનો જથ્થો, ખાલી બેરલો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે કેટલાક યુવકોને રાઉન્ડઅપ પણ કર્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. જોકે, આ બાબતે પોલીસ અત્યારે 'મગનું નામ મરી' પાડવા તૈયાર નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સુરતના ડુમસના દરિયાકાંઠે લાંબા સમયથી ધમધમતા ડીઝલ ચોરીના એક મોટા રેકેટનો શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પર્દાફાશ કર્યો છે. મલ્ટિનેશનલ કંપનીઓના જહાજો અને બોટમાંથી લાખો રૂપિયાનું ડીઝલ ચોરી કરી તેને બજારમાં સસ્તા ભાવે વેચવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ઝડપાતા દરિયાકાંઠાના સ્મગલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
SOGએ શનિવારે રાત્રે પાડેલા દરોડા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી
રેકેટમાં કાંઠા વિસ્તારના નામચીન તેજસ સહિતની ટોળકીની સંડોવણી બહાર આવી હતી. મળતી વિગતો અનુસાર SOGને ચોક્કસ બાતમી મળી હતી કે ડુમસના દરિયાકિનારે રાત્રિના અંધકારનો લાભલઈ મલ્ટિનેશનલ કંપનીઓના જહાજોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ઉતારવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમ શનિવારે રાત્રે જેવી ડુમસના અલિયા બેટ પહોંચી કે તરત જ ત્યાં હાજર તત્ત્વોમાં હડકંપ મચી ગયો હતો. અંધારાનો લાભ લઈ કેટલાક શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસ પ્રાથમિક તપાસમાં આ આખું નેટવર્ક સ્થાનિક કાંઠા વિસ્તારના તેજસ દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું.









