સમગ્ર ભારતના અલગ-અલગ રાજ્યોમાં 100 થી વધુ ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર ઝડપાયો છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો છે, આરોપી દેશભરમાં ઘરફોડી માટે કુખ્યાત સતપાલ ફૌજી ગેંગનો સાગરિત છે અને આ ગેંગ માત્ર ધોળા દિવસે ફ્લેટની સોસાયટીમાં પ્રવેશ કરી બંધ ફલેટોને ટાર્ગેટ કરતા હતા.
સતપાલ ફૌજી ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો
આ ચોરે ફકત ગુજરાતમાં જ નહી પણ અલગ-અલગ રાજયોમાં પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે, બંધ ફલેટોને લોખંડના સળીયાથી લોક તોડી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા અને આરોપી દિનેશ અગાઉ 34 ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તે ઉપરાંત 29 ઘરફોડ ચોરીઓનો વોન્ટેડ આરોપી છે, તે સાથે પાંચ વર્ષ પહેલા સુરતના સીટી લાઇટના એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 1.20 કરોડની ચોરીમાં પણ વોન્ટેડ હતો.
11 રાજ્યોમાં 100થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ
આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ માત્ર દિવસ દરમિયાન જ ફ્લેટોમાં ચોરી કરતા હતા. ગેંગના 8થી 9 સભ્યો પોશ સોસાયટીઓમાં રેકી કરતા અને જે ફ્લેટના દરવાજાની બહાર ઘણા દિવસોના ન્યૂઝપેપર પડ્યા હોય અથવા દરવાજા પર ધૂળ જામી હોય, તેને નિશાન બનાવતા હતા.









