સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારો વિરુદ્ધ પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે, જે અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં સમીર ઉર્ફે બોટલો શેખ નામના શખ્સને દેશી બંદૂક (તમંચા) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ હથિયાર સુરતના બજારમાં વેચવાના ઈરાદે ફરી રહ્યો હતો, પરંતુ તે પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.
સુરત પોલીસનો સપાટો
પકડાયેલા આરોપી સમીર ઉર્ફે બોટલો શેખે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે આ દેશી બંદૂક તે મધ્યપ્રદેશ (MP) ખાતેથી ચોરી કરીને લાવ્યો હતો. સુરતમાં આ હથિયાર કોને આપવાનું હતું અથવા તેનો ઉપયોગ કયા ગુનામાં થવાનો હતો તે દિશામાં હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની પાસેથી હથિયાર જપ્ત કર્યું છે અને આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.













