સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં બે મહિના અગાઉ મળેલી એક બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. મોબાઈલ લૂંટવા આવેલા શખ્સને પાઠ ભણાવવા જતાં તેની હત્યા કરનાર આરોપી ગણેશ પોલયની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે ઉકેલાયો છે.
ઘટનાની વિગત
ગત 24 ઓક્ટોબર, 2025ના રોજ ચોક બજારના રહેમત નગર ઇન્ડસ્ટ્રીઝ પાસે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં આ મામલો કુદરતી મૃત્યુ જેવો લાગતો હતો, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે યુવકનું મોત ગંભીર ઈજાઓ થવાને કારણે એટલે કે હત્યાથી થયું છે. આ રિપોર્ટ બાદ ચોક બજાર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
તપાસ અને ખુલાસો
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગણેશ પોલય નામનો વ્યક્તિ પોલીસના રડારમાં આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં ગણેશે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું કે, તે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ પાસે ઉભો હતો ત્યારે મૃતક યુવક તેની પાસે આવ્યો હતો અને તેનો મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, યુવકે ગણેશને બિભત્સ ગાળો પણ આપી હતી.
મોબાઇલ લૂંટવાના પ્રયાસમાં યુવકની હત્યા
જે કારણે ગણેશે ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન ગણેશે નજીકમાં પડેલા લાકડાના ફટકા વડે યુવક પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકનું મોત નીપજ્યું હતું. આ યુવકની હત્યા કર્યા બાદ આરોપી ગણેશ શાંતિથી પોતાના કામ પર જતો રહ્યો હતો.
આરોપીએ પોતે જ 108 બોલાવીને પોલીસને ગેરમાર્ગે દોરી
હત્યા કર્યા બાદ ગણેશ બીજા દિવસે સવારે ફરી એ જ સ્થળે આવ્યો હતો. યુવકને મૃત હાલતમાં જોઈને તેણે પોતે જ 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી, જેથી કોઈને તેના પર શંકા ન જાય. જોકે, પોલીસની ઝીણવટભરી તપાસ અને સીસીટીવીમાં દેખાયેલી હિલચાલને કારણે આરોપીનો આ ખેલ લાંબો સમય ચાલ્યો નહીં. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat News: 600 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા