ઝાલવાડની ધરતી પર આવેલી સુરેન્દ્રનગર સબ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુરેન્દ્રનગર સબ જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલા અચાનક સર્ચ ઓપરેશન દરમિયાન બેરક નંબર 3 માંથી મોટી માત્રામાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કેદીઓએ જેલના નિયમોને ઘોળીને પી જઈને મોબાઈલ છુપાવવા માટે જે રીત અપનાવી હતી તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ટોયલેટમાં ખાડો કરી છુપાવ્યો હતો સામાન

મળતી માહિતી મુજબ, જેલરની ટીમને બાતમી મળી હતી કે બેરક નંબર 3 માં કેટલાક કેદીઓ પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાતમીના આધારે જ્યારે ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન શરૂઆતમાં કઈ ખાસ મળ્યું ન હતું, પરંતુ બેરકની અંદર આવેલા ટોયલેટમાં ઝીણવટભરી તપાસ કરતા માલૂમ પડ્યું કે ત્યાં ખાડો કરીને કિંમતી મોબાઈલ છુપાવવામાં આવ્યા હતા.

શું શું મળી આવ્યું?

પોલીસ તપાસમાં 3 કીપેડવાળા મોબાઈલ, 1 એન્ડ્રોઇડ સ્માર્ટફોન, 1 મોબાઈલ ચાર્જર અને 1 હેન્ડસ ફ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ રૂ. 13,000 ની કિંમતનો આ પ્રતિબંધિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જેલના સળિયા પાછળ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આટલી વસ્તુઓ અંદર કેવી રીતે પહોંચી તે એક મોટો સવાલ છે.


https://x.com/sandeshnews/status/2018912849591194091


અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ

આ ઘટના બાદ સુરેન્દ્રનગર સબ જેલના જેલર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા 'એ' ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કેદીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ મોબાઈલનો ઉપયોગ કયા કેદીઓ દ્વારા કરવામાં આવતો હતો અને જેલની અંદર આ સામગ્રી પહોંચાડવામાં કોણે મદદ કરી હતી.


આ પણ વાંચો - Surendranagar News : સુરેન્દ્રનગરમાં માતાજીના મંદિરના નવનિર્માણ માટે લકી ડ્રોનું આયોજન, વાંકાનેર સીટી પોલીસે 13 લોકો સામે નોંધ્યો ગુનો