સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાંથી બેંકિંગ ક્ષેત્રે સળવળાટ મચાવતો કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. મેથાણ ગામે આવેલી ગ્રામીણ બેંકમાં કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરનારા તત્કાલીન બેંક મેનેજરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલીને કરોડો રૂપિયાની લોન મેળવી લેવાના આ ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાં જ સમગ્ર બેંકિંગ વર્તુળ અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
67 બોગસ ખાતા ખોલીને આચર્યું કરોડોનું કૌભાંડ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મેથાણ ગ્રામીણ બેંકના તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિએ પોતાના પદનો દુરુપયોગ કરીને બેંકને રૂ. 1.72 કરોડનો ચૂનો લગાવ્યો હતો. મેનેજરે નિર્દોષ ગ્રાહકોના નામે કુલ 67 જેટલા બોગસ ખાતા ખોલ્યા હતા અને આ બનાવટી એકાઉન્ટ્સ પરથી કરોડો રૂપિયાની લોન મંજૂર કરાવીને રકમ બારોબાર ઉપાડી લીધી હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ કૌભાંડી રકમ બેંકમાં પરત જમા પણ કરાવી દેવામાં આવી છે, પરંતુ ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી બોગસ ખાતા ખોલવાનો ગંભીર ગુનો બન્યો હોવાથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આસપાસના અનેક ગામોના ગ્રાહકોના નામે ખોલ્યા હતા ફેક એકાઉન્ટ
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં એ વાત પણ ખુલ્લી પડી છે કે, આરોપી મેનેજર નિખિલ પ્રજાપતિએ માત્ર મેથાણ જ નહીં, પરંતુ આસપાસના અન્ય ગામોના ગ્રામજનોને પણ નિશાન બનાવ્યા હતા. ધ્રાંગધ્રાના મેથાણ ઉપરાંત રાજગઢ, દુદાપુર અને રાજચરાડી સહિતના ગામોમાં રહેતા નિર્દોષ ગ્રાહકોના નામે પણ કૌભાંડી મેનેજરે બોગસ ખાતા ખોલીને લોન ઉપાડી લીધી હતી. ગ્રાહકોને જાણ પણ ન થાય તે રીતે તેમની ઓળખના પુરાવાનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાથ ધરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી
ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલી લોન ઉપાડવાના ગંભીર આરોપો હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તત્કાલીન મેનેજર નિખિલ ગૌતમભાઈ પ્રજાપતિની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ પૂછપરછ અને તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ કર્મચારી કે વ્યક્તિની સંડોવણી છે કે, કેમ તે અંગે પણ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો - Surendranagar: શંભુ શરણે પડી....: આપો દ્દષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું