સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોઢા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોએ અનોખો આતંક મચાવ્યો છે. અહીં કોઈ કિંમતી ઘરેણાં કે રોકડની ચોરી નહીં, પરંતુ માત્ર ગેસ સિલિન્ડરની ચોરી કરતી એક વિચિત્ર ગેંગ સક્રિય થઈ છે. ખારાઘોઢાના જગદીશ સોસાયટી અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા આઠ દિવસમાં જ સાત અલગ-અલગ ઘરોને નિશાન બનાવીને તસ્કરો ગેસના બાટલા ઉઠાવી ગયા છે. રાત્રિના સમયે તસ્કરો ત્રાટકે છે અને ઘરની બહાર કે રસોડાના ભાગે રાખેલા સિલિન્ડર ચોરીને પલાયન થઈ જાય છે, જેના કારણે ગૃહિણીઓમાં ભારે મુશ્કેલી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટડી પોલીસ સામે પડકાર
એક જ અઠવાડિયામાં સાત-સાત ઘરોમાં ગેસ બોટલની ચોરી થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકોએ પાટડી પોલીસ મથકે દોડી જઈને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક પેટ્રોલિંગ વધારીને ચોર ગેંગને ઝડપી લેવા માંગ કરી છે. પાટડી પોલીસે ગ્રામજનોને ખાતરી આપી છે કે આ મામલે તપાસ તેજ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ 'ગેસ બોટલ ચોર' ગેંગને ક્યારે પકડે છે, કારણ કે સતત થઈ રહેલી ચોરીને પગલે ગામમાં ફફડાટ વ્યાપેલો છે.













