ગુજરાતમાં ભૂસ્તરીય હલચલ સતત વધી રહી હોય તેમ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌરાષ્ટ્રના પોરબંદર પાસે આજે સવારે 9:58 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.7 નોંધાઈ છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પોરબંદરથી આશરે 46 કિલોમીટર દૂર નોંધાયું હતું. જોકે આંચકો હળવો હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ સવારના સમયે અનુભવાયેલી ધ્રુજારીને કારણે સ્થાનિકોમાં થોડો સમય ડરનો માહોલ જોવા મળ્યો હતો.


ધરતીકંપના હળવા આંચકા

આ પહેલાં કચ્છના ધોળાવીરામાં પણ વહેલી સવારે ધરતી ધ્રૂજી હતી. કચ્છના ધોળાવીરા નજીક વહેલી સવારે 3:05 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જેનું એપિસેન્ટર ધોળાવીરાથી 41 કિલોમીટર દૂર રણ વિસ્તારમાં હતું. એક જ દિવસમાં રાજ્યના બે અલગ-અલગ છેડે નોંધાયેલા આ હળવા આંચકાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રીઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને કચ્છમાં અવારનવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં સતત ભય રહેતો હોય છે, ત્યારે પોરબંદર પંથકમાં પણ ભૂકંપની હાજરી નોંધાતા તંત્ર સજાગ બન્યું છે.

આ પણ વાંચો : Bhavnagar News : મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભાવનગર યાર્ડમાં હરાજીનું કામકાજ રહેશે બંધ

  • Follow us on: