સામાન્ય રીતે સરકારી કચેરીઓના કોન્ફરન્સ રૂમ શહેરના વિકાસના કાર્યો, મહત્વની બેઠકો અને નીતિવિષયક ચર્ચાઓ માટે વપરાતા હોય છે. પરંતુ પોરબંદર નગરપાલિકામાં એક એવી ઘટના સામે આવી છે જે જોઈને નાગરિકોમાં રોષ અને આશ્ચર્ય ફેલાયું છે. અહીંનો હાઈટેક કોન્ફરન્સ રૂમ કોઈ ગંભીર ચર્ચા માટે નહીં, પરંતુ મનોરંજનના સાધન તરીકે વપરાતો જોવા મળ્યો હતો.


ખાલીખમ રૂમ અને મુવી થિયેરની જેવી ફીલ

મળતી માહિતી પ્રમાણે પોરબંદર નગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં લગાવવામાં આવેલું વિશાળ 92 ઇંચનું સ્માર્ટ ટીવી અચાનક મુવી થિયેટરમાં ફેરવાઈ ગયું હતું.નવાઇની વાત તો એ છે કે જ્યારે આ જગ્યાએ તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં એક પણ અધિકારી કે કર્મચારી હાજર નહોતો. માત્ર ખાલીખમ રૂમમાં એરકન્ડીશનર અને લાઇટો ચાલુ હતી અને આલીશાન ટીવી પર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડા ધૂમ મચાવી રહી હતી.

વીજળીનો વ્યય અને વહીવટી લાપરવાહી

આ દ્રશ્યો સામે આવતા જ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.એક તરફ સરકાર ઉર્જા બચાવવા માટે લાખોનો ખર્ચ કરીને પ્રચાર કરે છે, ત્યારે સરકારી કચેરીમાં જ કોઈની હાજરી વગર કલાકો સુધી એસી અને ટીવી ચાલુ રાખીને વીજળીનો ખુલ્લેઆમ વ્યય કરવામાં આવ્યો. સરકારી મિલકતનો આવો દુરુપયોગ કોની મંજૂરીથી થયો? શું કર્મચારીઓ કામના કલાકો દરમિયાન ફિલ્મો જોવામાં વ્યસ્ત છે? નગરપાલિકાનો નિભાવ પ્રજા દ્વારા ભરવામાં આવતા ટેક્સમાંથી થાય છે. જ્યારે સામાન્ય માણસ મોંઘી વીજળીના બિલ ભરે છે, ત્યારે સરકારી તંત્રની આવી બેદરકારી જનતાના પૈસાનું અપમાન છે.

સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની

આ ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. લોકોમાં ચર્ચા છે કે જો રૂમમાં કોઈ નહોતું, તો ફિલ્મ ચાલુ કોણે કરી અને રિમોટ કોની પાસે હતું? ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેશે કે પછી આ મામલો પણ 'ફિલ્મી પડદા' પાછળ દબાઈ જશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Sanand: મોરૈયાની બે ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે


  • Follow us on: