ગુજરાતના 1600 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાઈ પટ્ટા પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને લોખંડી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બે દિવસીય સ્પેશિયલ ઓપરેશન હેઠળ પોરબંદર સહિત રાજ્યના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સૌથી મોટી વિશેષતા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન
મળતી માહિતી પ્રમાણે આ ઓપરેશનની સૌથી મોટી વિશેષતા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેનું સંકલન છે. જેમાં ભારતીય નૌસેના Indian Navy, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. દર વર્ષે બે વખત યોજાતી આ કવાયતનો મુખ્ય હેતુ કોઈપણ આકસ્મિક આતંકી હુમલા કે ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવાની તૈયારીઓની ચકાસણી કરવાનો છે.
જતી-આવતી તમામ બોટોનું સઘન નિરીક્ષણ
ઓપરેશન દરમિયાન દરિયામાં માછીમારી માટે જતી-આવતી તમામ બોટોનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. માછીમારોની ઓળખપત્રોની તપાસની સાથે બોટના દસ્તાવેજો પણ ચકાસવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પોરબંદર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જે લેન્ડિંગ પોઈન્ટ્સ છે.જ્યાંથી દરિયાઈ માર્ગે કિનારે પહોંચી શકાય છે. ત્યાં વિશેષ ચોકીબંધી કરવામાં આવી છે.
સુરક્ષા તંત્રની સજ્જતા
આ કવાયત દરમિયાન સુરક્ષા એજન્સીઓ રેડ અને બ્લુ ટીમમાં વિભાજિત થઈને એકબીજાની સજ્જતાની કસોટી કરે છે. સમુદ્રમાં શંકાસ્પદ હિલચાલને ટ્રેક કરવા માટે ટેકનોલોજી અને મેનપાવરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતનો દરિયો આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલો હોવાથી, રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ઓપરેશન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં