વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં થોડા દિવસો પહેલા મળી આવેલી સચિન રાઠવાનો મૃતદેહ મળી આવવાની ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. આ મામલે મકરપુરા પોલીસે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, સચિનની હત્યા તેની જ મંગેતર સુરેખા રાઠવાએ કરી હતી.
શું હતી સમગ્ર ઘટના?
મૂળ છોટાઉદેપુરનો સચિન રાઠવા તેની મંગેતર સુરેખા સાથે રેલવે ક્વાર્ટરમાં રહેતો હતો. સુરેખા રેલવેમાં નોકરી કરે છે. થોડા દિવસો પહેલા સચિનનો મૃતદેહ મળી આવતા સુરેખાએ પોલીસ સામે એવું નાટક રચ્યું હતું કે, સચિનનું મોત ઊંઘમાં કુદરતી રીતે થયું છે. જોકે, પોલીસને શંકા જતાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
PM રિપોર્ટ અને પોલીસ પૂછપરછમાં ખુલાસો
ત્રણ દિવસ બાદ આવેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે, સચિનનું મોત કુદરતી નથી, પણ તેનું ગળું દબાવવામાં આવ્યું છે. આ રિપોર્ટના આધારે મકરપુરા પોલીસે જ્યારે સુરેખાની કડક પૂછપરછ કરી, ત્યારે તે ભાંગી પડી હતી. તેણે કબૂલાત કરી હતી કે, તેણે પોતાના જ દુપટ્ટાથી સચિનનું ગળું દબાવી તેની હત્યા કરી હતી.
હત્યા પાછળનું કારણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સુરેખાના અન્ય કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. આ બાબતે સચિન અને સુરેખા વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ વિવાદનો કાયમી અંત લાવવા માટે સુરેખાએ આ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ મકરપુરા પોલીસે આરોપી સુરેખા રાઠવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Vadodara News: લૂંટ કરનારા 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર