સંસ્કારી નગરી વડોદરામાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો. વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક JCB ચાલકે કાયદા અને માનવતા બંનેને બાજુ પર મૂકીને JCB ના આગળના ભાગે આવેલા લોડરમાં 10 જેટલી મહિલાઓને બેસાડી રસ્તા પર જોખમી સવારી કરાવી હતી. આ વીડિયો વાયરલ થતા જ વડોદરા પોલીસે ત્વરિત એક્શન લીધા છે.
જોખમી સવારીનો વીડિયો થયો હતો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, JCB ના આગળના લોડર પર 10 જેટલી મહિલાઓ શ્રમિકોની જેમ બેસીને મુસાફરી કરી રહી છે. આટલું જ નહીં, JCB ની કેબિનમાં પણ ચાલકે ક્ષમતા કરતા વધુ એટલે કે 5 જેટલા લોકોને બેસાડ્યા હતા. ભરચક ટ્રાફિકમાં આ પ્રકારે જોખમી રીતે દોડતા JCB ને જોઈને પસાર થતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. એક જાગૃત નાગરિકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર શેર કરતા પોલીસ હરકતમાં આવી હતી.













